ઇસવીસન ૨૦૨૦ના શિયાળાની સુંદર સવાર. હું રોજની જેમ મારા ઈ-મેલ જોઈ રહ્યો છું અને જય સ્મિથ નામના મારા જૂના મિત્રનો મેલ જોઈને સાનંદાશ્ચર્યમાં પડી ગયો. તેનું ખરું નામ છે (હતું) જયદીપ પંચાલ. ૧૯૯૧-૯૨માં તે શિકાગોમાં મારી સાથે અભ્યાસ કરી રહ્યો હતો. એક સમયનો ગર્વિષ્ઠ ભારતીય, જેણે પોતાનું નામ જયદીપમાંથી જય (જે) અને અટક પંચાલમાંથી સ્મિથ કરી નાખી, કારણકે પંચાલ એ જૂનવાણી ભારતમાં લુહારકામ કરનારી જાતિ હતી. (આ વાતે કોઇ ટિપ્પણી નહીં!)

લગભગ દસ વર્ષ પછી મારા આ મિત્રએ મને યાદ કર્યો હતો. તેને અંબાજીની યાત્રા કરવાની હતી, એક બાધા પૂરી કરવા માટે અને એટલે જ મને યાદ કરવામાં આવ્યો હતો. મેં યાત્રાની વ્યવસ્થા કરી નાખી, અને એ શિયાળાની રમણીય સવારે અમદાવાદ ઍરપોર્ટ પર તેને આવકારવા પહોંચી ગયો.

ઍરપોર્ટ ઋતુપ્રવાસી પક્ષીઓની જેવાં કથિત NRI (નૉન રેસિડન્ટ ઈન્ડિયન્સ - બિનનિવાસી ભારતીયો) ના કોલાહલથી ભરેલો હતો, જેઓ આ ઋતુમાં સામાન્યતઃ ભારત આવતાં હતાં. ઍરપોર્ટ પર બીજી જાતનાં લોકો પણ હતાં. RNI (રેસિડન્ટ નૉન ઈન્ડિયન્સ - નિવાસી બિનભારતીયો). આ રમૂજી લોકોનું માનવું છે કે સાંસ્કૃતિક રીતે તેઓ અકસ્માતવશ ન્યુ યૉર્કને બદલે નવરંગપુરામાં જન્મ્યા છે, અને ભારતમાં આજકાલ નિઃસંદેહ આવાં અસંખ્ય લોકો છે. આ બધાં ઍરપોર્ટ પર તેમના દેશબંધુઓને અભિવાદિત કરવા આવ્યાં હતાં.

મેં જયદીપને તેની દેવઆનંદ જેવી ચાલવાની ઢબથી ઓળખી કાઢ્યો. દાયકાઓ જૂની સ્થાનિક આર્કિટેક્ચરની કોલેજોના સ્નાતકોના પ્રભાવે વિશ્વમાંના ગણતરીનાં આકર્ષક બાંધકામોમાંના એક એવા અમદાવાદ ઍરપોર્ટને જોઇને તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આસપાસની સ્વચ્છતા તેના મન પર એક સુંદર છાપ છોડી ગઈ, પરંતુ તેને મારી સૌરઊર્જાથી ચાલતી ગાડી જોવાની વધુ તાલાવેલી હતી, જેમાં અમે અંબાજી જવાનાં હતાં. તે બોલ્યો કે અહીં વપરાતી સૌરઊર્જાથી ચાલતી ગાડીઓ વિષે તેણે ઘણું સાંભળ્યું હતું અને એ વાતે દુઃખી હતો કે સૌરઊર્જાની અછતથી પીડાતા યુ.ઍસ. જેવા દેશમાં આવી ગાડીઓ તે વાપરી શકતો ન હતો. સૌરઊર્જાનું અસરકારક ઉપયોજન એ ભારતીય વૈજ્ઞાનિકોની છેલ્લાં ઘણાં વર્ષોની મહાનતમ શોધ છે, જે પ્રૌદ્યોગિક ક્રાંતિની અઢળક ભેટોમાંની એક એવી ભેટ છે, જેણે ભારતને મોટા ભાગનાં વિકસિત દેશો કરતાં એક કદમ આગળ લાવીને મૂક્યો છે.

અમે અંબાજી માટે નીકળ્યાં. ૧૨૦ કિમી લાંબા ઍક્સ્પ્રેસ હાઈવે પરની આ મુસાફરી એક કલાકથી વધારે થવાની ન હતી, એટલે અમને કોઇ ઉતાવળ ન હતી. જયદીપને ગ્રામીણ ભારતની એક ઝલક જોવાની ઈચ્છા થઈ તેથી અમે ઇડર નામના એક નાનકડા નગર પાસે થોભ્યાં. ઇડરની પહેલાં જ હાઈવે પરથી ઉતરીને અમે નજીકમાં હોડી જેવા આકારના એક નાનકડા ઘર પાસે પહોંચ્યાં. આ ઘર જોઇતાભાઈ નામના એક ખેડૂતનું હતું જેમનો કૃષિપેદાશો માટેનો પ્રૉસેસિંગ પ્લાન્ટ ઘરમાં જ હતો. અમે જણાવ્યું કે અમે તેમની સાથે થોડી વાત કરવા માગતાં હતાં. અમને રાજીખુશીથી અંદર બોલાવીને તેમણે થોડી રાહ જોવા કહ્યું. તેમને બ્રાઝિલ જઈ રહેલા પ્રૉસેસ્ડ શાકભાજીના નિકાસી માલની દેખરેખ રાખવાની હતી.

જયદીપની ઉત્કંઠા વધતી ચાલી કેમકે તે જાણતો હતો કે ભારતમાં એવાં ઘણાં ખેડૂતો છે, જેઓ ખેતી કરીને ઉત્પાદિત વસ્તુઓમાંથી છેવટનો માલ બનાવીને દુનિયાભરમાં વેચે છે. છતાં પણ પોતાની સગી આંખે આવા પ્લાન્ટને જોવો એ તેના માટે એક લહાવો હતો. આ કુતૂહલની પાછળનું કારણ જયદીપનો પોતાનો વ્યવસાય હતો - કૃષિપેદાશોનું પ્રૉસેસિંગ, જેમાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષોમાં ભારતે ૧૦,૦૦૦થી પણ વધુ આંતરરાષ્ટ્રિય પેટન્ટ મેળવી છે.

સદીઓ જૂની "अतिथि देवो भवः" ની પરંપરાનું શબ્દશઃ અનુસરણ કરતાં જોઇતાભાઈએ અમને નાસ્તો આપ્યો, અને ખૂબ જ ખાંડવાળી ખાસ ગુજરાતી ચા. અમારી સાથે વાત કરતાં કરતાં પણ જોઇતાભાઈ જે ઝડપથી ઈન્ટરનેટ પર નિકાસનાં દસ્તાવેજો તૈયાર કરતાં હતાં, એ જોઇને તો જયદીપ ઘડીભર અચંભામાં જ મુકાઈ ગયો. જોઇતાભાઈ પાસેથી તેને એ પણ જાણવા મળ્યું કે ઉત્તર ગુજરાતનાં મોટાં ભાગનાં ખેડૂતો પોતાના પ્રૉસેસિંગ પ્લાન્ટ ધરાવે છે અને એમાં જ કૃષિપેદાશોમાંથી વેચાણલાયક માલ બનાવીને નિકાસ કરે છે, અને આ કારણથી તેમને ઈન્ટરનેટ પર નિકાસનાં દસ્તાવેજો તૈયાર કરવાની જરૂર પડે છે.

અમે ઇડરથી નીકળી અંબાજી પહોંચ્યાં. મંદિરના ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મંદિરનો ડ્રાઈવર અમારી ગાડીને પાર્કિંગ તરફ હંકારી ગયો. જેવાં અમે મંદિરમાં પ્રવેશ્યાં કે મેં ‘પૂજારી’ના મોબાઈલની રિંગટૉન સાંભળી. આજુબાજુનાં લોકો બોલવા લાગ્યાં કે આ તો "ભગવાન"નો મૅસેજ છે. ગૂંચવાયેલો હું, ‘પૂજારી’ તરફ દોડ્યો. અચાનક તે ‘પૂજારી’ મારા તરફ ફર્યો અને બોલ્યો, - "મોડું થઈ જાય એ પહેલાં ઉઠો.!" - તે ડૉ. કલામ હતાં.

read more