વૉલંટીચર્સ ડ્રીમ

સન 2024, ડિસેમ્બર મહિનાની સવાર. ગોંડલથી આશરે 50 કિમી દૂર જામકંડોરણા ગામ તરફ જવાનાં રસ્તા પર એક મર્સીડીઝ ગાડી જઇ રહી છે. ગાડીમાં એક યુવાન ‘કપલ’ – મિહિર અને જાનકી – પાછલી સીટમાં બેસી આજુબાજુ લહેરાતા કપાસનાં ખેતરો જોતાં જોતાં વાતો કરે છે.

પતિ એની પત્નિને કહે છે. “મને હવે આ વિસ્તારમાં આવવું ગમે છે. 15 વર્ષ પહેલાં તો અહીં રસ્તા પણ સરખાં ન હતાં અને ગામમાં ગંદકી એટલી હતી કે જેટલી વાર પપ્પા અમને અહીં મામાને ત્યાં લાવતા, અમે ચોક્કસ માંદા પડતાં. એ સમયે અમને અહીં માત્ર મામાનાં દિકરા આશિષને મળવા આવવામાં રસ હતો. અમે એને અમારી સાથે રાજકોટ આવી જવાં બહુ કહેતાં પણ એને અહીં જ ગામડામાં જ રહીને ભણવું હતું. ત્યાંની નાની સ્કુલમાં અઠવાડિયામાં બે-ત્રણ વાર ગોંડલથી કોઇ લોકો આવીને ભણાવતાં હતાં. એને એમની જોડે બહુ ગમતું. આશિષ અમદાવાદ કૉલેજ કરવા ગયો પણ સેટલ થવા તો પાછો જામકંડોરણા જ આવી ગયો. મામાને ખેતીમાં મદદ કરવા. આજે ઘણાં વખતે આવું છું. ઇચ્છા તો છે કે એને આપણી સાથે રાજકોટ લઇ જઉં. એ હોંશિયાર છે, મારી સાથે ધંધામાં હોય તો આપણને સારું રહેશે.”

ગાડી ગામમાં ઘૂસી. ગામડામાં ‘ફુટપાથ” જોઇ જાનકી કહે, “અહીં તો કોઇ કોલોની જેવું લાગે છે. ગામડા જેવું નથી લાગતું” મિહિરે જવાબ આપ્યો, “છેલ્લા થોડાં વર્ષોમાં અહીં ઘણાં ફેરફાર થયાં છે. પહેલાં કરતાં ચોખ્ખાઇ તો દેખીતી રીતે વધેલી લાગે છે.” ગામનાં ચોરા પર જ આશિષ મળ્યો. જોડે ગાડીમાં બેસી ગયો. કહે, “ચાલો ભાભી તમને ગામ બતાવું.” ત્યાર બાદનો કલ્લાક પતિ-પત્નીને વિચારતાં કરી ગયો.

અમદાવાદ કે સુરતની કોઇ સારી સોસાયટી જેવાં ચોખ્ખા રસ્તાઓ, સોલર પેનલ અને ટાઇમરવાળી સ્ટ્રીટ લાઇટો, નાનાં પણ રંગાયેલાં ઘરો, ફ્લોરિંગવાળા ફળિયા અને દરેક ઘરની બહાર ઑર્ગેનિક વેસ્ટ મેનેજમેંટની સગવડ જોઇને બન્ને જણાને ઘણી નવાઇ લાગી. એમણે અગાઉ જોયેલું કે વિચારેલું તેવું આ ગામડું ન લાગ્યું.

ઘણાં ઘરોની બહાર - આંગણામાં કપાસનાં ઢગલાં બતાવતાં આશિષે કહ્યું કે “અહીંનાં લોકો પહેલાં કપાસને નજીકની જીનીંગ મીલમાં આપી દેતાં હતાં. છેલ્લા કેટલાંક વર્ષોથી ગોંડલનાં અમારા વૉલંટીચર્સની મદદથી રાજકોટનાં એંજીનીયરીંગ નિષ્ણાતોએ એવાં મશીન બનાવ્યાં છે કે જેમાં સીધાં કપાસમાંથી યાર્ન બની જાય. ઘરે ઘરે હવે આવાં મશીનો છે. એટલે ગામની આવક વધી છે. અમારા વૉલંટીચર્સ અમને નાનપણમાં બહુ કહેતાં કે - ગંદકી હોય ત્યાં લક્ષ્મી ના આવે – અને જુઓ હવે ગામમાં લક્ષ્મી પણ આવી અને ગંદકી દૂર થઇ ગઇ.”

ઘરે પહોંચતાં જ એમને કુટુંબીઓ અને પાડોશીઓ ઘેરી વળ્યાં. જૂની નવી વાતો, નીચે બેસીને જમવાનું અને ખૂલ્લામાં સુવાનું – એક જુદા જ પ્રકારની મજા અપાવતું ગયું. રાતનાં મિહિરે આશિષને કહ્યું, “તારું કામ તો અહીં બરાબર ચાલે છે પણ તારામાં હજુ આગળ વધવાની ક્ષમતા છે. તું મારી સાથે રાજકોટ આવી જા. મારા ધંધામાં કોઇ વિશ્વાસુ વ્યક્તિની જરુર છે. આપણે સાથે હોઇશું તો દુનિયાભરમાં ધંધો કરી શકીશું”

એક નિખાલસ સ્મિત સાથે આશિષે જવાબ આપ્યો, “મોટાભાઇ, મને ખબર છે કે અહીં રહીને કદાચ હું તમારી જેમ મર્સીડીઝ નહી લઇ શકું. પણ ઘણા બધાં લોકોને અહીં મારુતિ સુધી પહોંચવામાં મદદ તો કરી શકીશ ને !!! આમેય શહેરોમાં વધુ ગાડીઓની જગ્યા નથી જ્યારે અહીં ગામડામાં જગ્યાનો કોઇ પ્રોબ્લેમ નથી. અમદાવાદમાં કૉલેજમાં હતો ત્યારે દુનિયાભરમાં ધંધો કરતી એક ફાર્માસ્યુટિકલ કંપનીનાં સાહેબે મને તેમાં જોડાવાનું કહ્યું હતું. ત્યારે મને ફરી એકવાર અમારા એક વોલંટીચરનાં શબ્દો યાદ આવી ગયાં હતાં કે – દુનિયામાં જે ચાલે છે તેમાંથી શીખીને આપણે આપણા પ્રશ્નોનું મૌલિક નિરાકરણ શોધવું જોઇએ. – એટલે જ મેં એ જોબ સ્વીકારી અને બે વર્ષ સિંગાપુર રહ્યો. ત્યાં જોયું કે, દુનિયામાં “ડેવલપ્ડ” અને “ડેવલપિંગ” દેશો વચ્ચે એક જ મોટો ફર્ક છે. એ છે “ચોખ્ખાઇ”નો. બન્ને પ્રકારની ચોખ્ખાઇ – રસ્તા પરની અને મનની. જો આપણે આપણાં દેશમાં અને આપણાં ગામમાં “ચોખ્ખાઇ” લાવી શકીએ તો એનાથી વિશેષ જીવનમાં શું મેળવવાની જરુર છે? એટલે જ, મેં અહીં આવી રહેવાનું નક્કી કર્યું.”

એક લાંબો શ્વાસ લઇ એણે બોલવાનું ચાલું રાખ્યું. “આ ગામમાં તમે જે ફેરફાર જુઓ છો એ કાંઇ મારા પાછા આવ્યાં પછીનો નથી. એની શરુઆત તો, વર્ષો પહેલાં જ્યારે અમારી સ્કુલમાં અઠવાડિયે ત્રણ દિવસ ગોંડલથી એક સંસ્થાનાં લોકો અમને આવીને ભણાવતાં, ત્યારથી થઇ હતી. એ લોકો અમને શહેરનાં અનુભવો કહેતાં અને દુનિયાની વાતો સંભળાવતાં. એમને માટે કદાચ એ વ્યક્તિગત સંતોષનું કામ હશે, પણ એમને મળતાં રહેવાથી અમારું vision ખુલતું ગયું. હવે અમે – આ ગામનાં – 50 જેટલાં લોકો આજુબાજુનાં ગામમાં જઇને આ જ કામ કરીએ છીએ. ત્યાંનાં બાળકોને exposure આપવાનું કામ. વિચારવાની શક્તિ ખીલી જાય તો વિકાસ આપોઆપ થાય છે.”

“સાચું કહું તો, અહીંનાં જીવનમાં જે શાંતિ છે તે છોડીને જવાની મને ઇચ્છા નથી થતી. અને મોટાભાઇ, તમારી જેમ વિશ્વાસુ વ્યક્તિઓની જરુર મારા ગામને પણ છે.”

આશિષની વાત સાંભળી મિહિર અને જાનકી બન્ને ક્ષણભર ચુપ થઇ ગયાં. થોડી વાર બાદ જાનકી બોલી, “મને બુધવાર અને શનિવારે ફાવશે”

read more